જે કલ્પનાઓ મારી હકીકત હતી, ગઈ
je kalpnaao maarii hakiikat hatii, gaii
હરીન્દ્ર દવે
Harindra Dave
હરીન્દ્ર દવે
Harindra Dave
જે કલ્પનાઓ મારી હકીકત હતી, ગઈ,
થોડાક દીવાનાઓમાં ઇજ્જત હતી, ગઈ!
બદનામીઓ તો ઠીક ફરી પણ મળી જશે,
એકાદ લાગણી કદી અંગત હતી, ગઈ.
શાયદ સમયનું માપ ભુલાઈ ગયું હવે
ગણવા સિતારા કેટલી ફુરસત હતી, ગઈ!
જીવનમાં રસ નથી, નથી મૃત્યુનો ઇંતેઝાર,
મરવાના ખ્યાલમાં ઘણી લિજ્જત હતી, ગઈ!
તારા પલકના પ્રેમની કથની છે આટલી,
દુનિયાની સાથે થોડી મહોબ્બત હતી, ગઈ.
સ્રોત
- પુસ્તક : હયાતી (પૃષ્ઠ ક્રમાંક 46)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : ચીમનલાલ લિટરરી ટ્રસ્ટ
- વર્ષ : 1984
- આવૃત્તિ : બીજી આવૃત્તિ
