satat ek pal wistre chhe, (parantu,) - Ghazals | RekhtaGujarati

સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ,)

satat ek pal wistre chhe, (parantu,)

આદિલ મન્સૂરી આદિલ મન્સૂરી
સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ,)
આદિલ મન્સૂરી

સતત એક પળ વિસ્તરે છે, (પરંતુ,)

સમય-રિક્તતાને ભરે છે, (પરંતુ.)

કોઈ એક છાયા, કોઈ એક છાયા,

દીવાલોને તોડી સરે છે, (પરંતુ.)

ઊંડાણ તારું, સમંદરનું મારું,

સપાટી થઈને તરે છે, (પરંતુ.)

તિમિર પ્યાલીઓમાં ઠરે રાત ઢળતાં,

કોઈ રોજ સૂરજ ધરે છે, (પરંતુ.)

નહીંતર કશો ભય નથી જીવવામાં,

કશુંક છે કે લોકો ડરે રે, (પરંતુ.)

બધી સરહદો ઓગળી જાય આખર,

ક્ષિતિજ માથું ઊંચું કરે છે, (પરંતુ.)

કશુંક શબ્દ ને અર્થની વચ્ચે હરપળ,

નથી જન્મતું ને મરે છે, (પરંતુ.)

સ્રોત

  • પુસ્તક : મળે ન મળે (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સર્જક : આદિલ મન્સૂરી
  • પ્રકાશક : વોરા ઍન્ડ કંપની
  • વર્ષ : 1996