ahin - Ghazals | RekhtaGujarati

અહીં બંધ મુઠ્ઠીથી તણખા ઝરે છે,

ખુલે મુઠ્ઠી જ્યારે, ભસમ સબ કરે છે.

અહીં જન્મતાંવેંત સિક્કો મળે છે

અહીં ગળથૂથી ઝેરથી ખદબદે છે

અહીં જાત પરમાણે કાપીકૂપીને

ઝભલાં ને ટોપી બધાં વેતરે છે.

અડોશી પડોશીને અફવાની મોસમ,

ઘરઘર રમેલાંનાં ઘર અહીં બળે છે

અહીં બ્લેડ કહેવત ને રૂઢિપ્રયોગો

અટક-નામ-સરનામે અસ્ત્રા મળે છે.

પ્રતિજ્ઞા પરસ્પર ગળાં કાપવાની

બહિષ્કાર નામે કરારો કરે છે,

કીડી ઉપર અહીં કટક કારમાં છે

સરપ-સીડી રાહતના નામે સરે છે

ધુરંધર ધૂમાડામાં શબ્દો ઉડાડે

મગરમ્હોરાં આંસુની સાથે મળે છે

અહો! રાગ દરબારી ભરચક હવામાં

જુઓ, ભલભલા અહીં ઝૂકે છે, લળે છે

હજી બેસી રહીશું? હજી જોઈ રહીશું

હજી લાશની તું ગણતરી કરે છે?

અહીં જાત માણસની, માણસના હાથે

ઈશ્વરના નામે કમોતે મરે છે.

સ્રોત

  • પુસ્તક : સળગતી હવાઓ (પૃષ્ઠ ક્રમાંક 4)
  • સર્જક : સરૂપ ધ્રુવ
  • પ્રકાશક : સંવેદન સાંસ્કૃતિક મંચ
  • વર્ષ : 1995