jalawto - Ghazals | RekhtaGujarati

ભરું કેમ ખોબો અરીસાળ જળમાં?

કે, નભની તરસનું તરે આળ જળમાં.

લઈ હુંપણું હું ડૂબી ગયો પણ,

તરંગો ઊઠ્યા પથરાળ - જળમાં.

મને ઝાંઝવાંમાં જડ્યાં ઝાંઝવાંઓ,

પરંતુ જળની મળી ભાળ જળમાં.

હકીકતની હાંડીઓ ઊંધી વળી ગઈ,

અફવાના ઊંડા નરાતાળ જળમાં.

ચલો મત્સ્ય મારાં! હવે જળવટો લો,

જુઓ જળ સ્વયં પાથરે જાળ જળમાં.

સ્રોત

  • પુસ્તક : ઉત્તરાયણ (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : દીપક મહેતા
  • પ્રકાશક : નેશનલ બુક ટ્રસ્ટ, ઇન્ડિયા
  • વર્ષ : 2008