jagatna bhed Dhanke chhe koi, koi ughaDe chhe - Ghazals | RekhtaGujarati

જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે

jagatna bhed Dhanke chhe koi, koi ughaDe chhe

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે
બરકત વીરાણી 'બેફામ'

જગતના ભેદ ઢાંકે છે કોઈ, કોઈ ઉઘાડે છે;

ધરે છે હુસ્ન પ૨દાઓ, મહોબ્બત વસ્ત્ર ફાડે છે.

પુરુષાર્થી લલાટે જે રીતે પ્રસ્વેદ પાડે છે.

ઘણાં પ્રારબ્ધને જળ છાંટીને એમ જગાડે છે.

જીવનનો કૈફ કઈ રીતે મળે દંભી દુનિયામાં?

કોઈ પીતું નથી, સૌએ ફક્ત હોઠે લગાડે છે.

જગતનાં દુઃખથી ત્રાસ્યા હો તો દુઃખ રાખો મહોબ્બતનું,

એવું દર્દ છે જે સર્વ દર્દોને મટાડે છે.

જીવન ના રાખ હલકી કોટીનું, જગનો પવન છે આ;

ચડાવે છે ઊંચે એને ફરી નીચે પછાડે છે.

ભલા શ્વાસ પણ કેવો જીવનનો બોજ છે કે સૌ,

ઉપાડીને મૂકી દે છે, મૂકી દઈને ઉપાડે છે.

સ્વમાન એવું કે શીતળતા નથી મળતી સહારામાં;

હું જો બેસું છું પડછાયા નીચે, પણ દઝાડે છે.

કિનારે જઈને પણ મારે તો છે અસ્તિત્વ ખોવાનું;

સમંદરમાં મને તોફાન, તું મિથ્યા ડુબાડે છે.

ખુદા ને આદમી વચ્ચે તફાવત છે બહુ થોડો,

બનાવ્યું છે જગત એકે અને બીજો બગાડે છે.

અહીં ‘બેફામ’ જીવતાં તો સતત છાંયો નહીં મળશે,

અહીંના લોક કબ્રોની ઉપ૨ વૃક્ષો ઉગાડે છે.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર બરકત વિરાણી 'બેફામ' (પૃષ્ઠ ક્રમાંક 30)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2023