durg ubho chhe haji - Ghazals | RekhtaGujarati

દુર્ગ ઊભો છે હજી

durg ubho chhe haji

વિજય રાજ્યગુરુ વિજય રાજ્યગુરુ
દુર્ગ ઊભો છે હજી
વિજય રાજ્યગુરુ

ગત સમયમાં પગ ઝબોળી દુર્ગ ઊભો છે હજી,

સાંભરણનાં જળ ડખોળી દુર્ગ ઊભો છે હજી.

ભીંતમાં પીપળ ઉગાડી, કાંગરા ખેરી ખડો,

આંખમાં ઇતિહાસ ઘોળી દુર્ગ ઊભો છે હજી.

હાકલા, પડકાર, હલ્લા, હણહણાટી સાંભળે,

યાદની તલવાર તોળી દુર્ગ ઊભો છે હજી.

ગામ, તૂટી ભીંતમાંથી બ્હાર ફેલાઈ ગયું,

આંખને કરતો પહોળી દુર્ગ ઊભો છે હજી.

સાચવે છે અંગ પર તોપગોળાના જખમ,

કાંધ પર લઈ જીર્ણ ડોળી દુર્ગ ઊભો છે હજી.

સ્રોત

  • પુસ્તક : વીસમી સદીની ગુજરાતી કાવ્યમુદ્રા (પૃષ્ઠ ક્રમાંક 603)
  • સંપાદક : ચન્દ્રકાન્ત શેઠ, યોગેશ જોષી, હર્ષ બ્રહ્મભટ્ટ, ઊર્મિલા ઠાકર
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2007