ઈશ્વરના મેં વાઘા જોયા
Ishwarna me vagha joya
સુરેશ ઝવેરી 'બેફિકર'
Suresh Zaveri 'Befikar'

ઈશ્વરના મેં વાઘા જોયા,
ત્યાં પણ દોરાધાગા જોયા.
પાર વગરનાં છટકાં જોયાં,
જ્યાં જ્યાં ટીલાંટપકાં જોયાં.
દેખાવો તો એક જ લાગે,
એમાં દસદસ માથાં જોયાં!
સગપણને શું રોવું મારે,
વળગણમાં પણ વાંધા જોયા.
ભીનું જેવું સંકેલાયું,
ગંગાજળના ડાઘા જોયા!
વિધવા સામે કંકુ કાઢે,
અવતારી સૌ બાબા જોયા.



સ્રોત
- પુસ્તક : નિતાંત (પૃષ્ઠ ક્રમાંક 31)
- સર્જક : સુરેશ ઝવેરી 'બેફિકર'
- પ્રકાશક : નાગરદાસ પબ્લિકેશન
- વર્ષ : 2005