nahin karun - Ghazals | RekhtaGujarati

નહીં કરું

nahin karun

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
નહીં કરું
અમૃત ઘાયલ

ચાહીશ કિન્તુ મળવાની ઈચ્છા નહીં કરું

માળા જપીશ, પુષ્પથી પૂજા નહીં કરું.

દુઃખોય સાથે મહારો કદી છોડશે નહીં,

પોતીકાંઓને હુંય પરાયાં નહીં કરું.

સૂરજની જેમ હું કદીક આથમી જઈશ;

ઘર-ઉંબરે કે ટોડલે દીવા નહીં કરું.

શ્રાવણમાં સાંપડી છે સજા અશ્રુપાતની;

પાણી મૂક્યું કે હું ફરી ટહુકા નહીં કરું.

કોરી કિતાબ જેવી છે જિંદગી હવે;

પત્રો લખીશ, બંધ લિફાફા નહીં કરું.

ત્હારી કનેથી કોઈ વચન માગવું નથી;

છે લાગણી તો એની પરીક્ષા નહીં કરું.

મ્હારા ખભા ઉપર છે બધાં મ્હારાં પુણ્ય-પાપ;

ઈશ્વર કનેય કોઈ ખુલાસો નહીં કરું.

સ્રોત

  • પુસ્તક : વયઃસંધિ (પૃષ્ઠ ક્રમાંક 65)
  • સંપાદક : બાપુભાઈ ગઢવી
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2002