insanthi ishwar sudhi - Ghazals | RekhtaGujarati

ઇન્સાનથી ઈશ્વર સુધી

insanthi ishwar sudhi

રતિલાલ 'અનિલ' રતિલાલ 'અનિલ'
ઇન્સાનથી ઈશ્વર સુધી
રતિલાલ 'અનિલ'

શું અષાઢી મેઘથી તે શ્રાવણી ઝરમર સુધી?

તું છે વ્યાપેલ ઝંઝાવાતથી મર્મર સુધી!

એક ધરતીની લીલા ને બીજી આકાશી કળા

રાત-દિ' ચાલ્યા કરી - ઇન્સાનથી ઈશ્વર સુધી.

એટલો શ્રદ્ધા-અશ્રદ્ધાનો લીલા-વિસ્તાર છે -

દેવના મંદિરથી કે માનવીના ઘર સુધી.

શું વળી સન્માન ને અપમાન બીજા વિશ્વમાં?

પ્યાર ને ધિક્કાર છે પૂજા અને ઠોકર સુધી.

ખેલતો કલ્લોલ ને આંદોલતો ગંભીર પણ,

એક અનહદ નાદ છે ઝરણાંથી તે સાગર સુધી.

રંગ બદલે એટલે પરખાય ના તો ખરું—

પ્રેમ વ્યાપક છે. બધે ધિક્કારથી આદર સુધી.

શું છે કોમળતા અને શું ક્રૂરતા - જાણી જશે;

શોધ એને એટલામાં - ફૂલથી પથ્થર સુધી.

માર્ગ ને મંજિલ અગર જો હોય તો તે ત્યાં છે,

ચાલનારાનાં ચરણ ને પંખીઓના પર સુધી.

જે અહીં સંકુલ દીસે છે તેય છે વ્યાપક ઘણું,

જોઉં છું સૌંદર્યને હું કણથી તે અંબર સુધી.

કોઈનું દર્શન અહીં એથી નથી આગળ ગયું,

છે અહીં ચર્ચા બધી - નશ્વરથી તે ઈશ્વર સુધી.

ભાવનાઓ, કલ્પનાઓ, ઊર્મિઓ, તર્કો 'અનિલ',

મારાં દિલ-મનમાં ઊચાં - ઇન્સાનથી ઈશ્વર સુધી.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 203)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4