mor jhinan paglan paDi jay chhe - Ghazals | RekhtaGujarati

મોર ઝીણાં પગલાં પાડી જાય છે

mor jhinan paglan paDi jay chhe

રશીદ મીર રશીદ મીર
મોર ઝીણાં પગલાં પાડી જાય છે
રશીદ મીર

મોર ઝીણાં પગલાં પાડી જાય છે,

તે પછીથી આંગણું હીજરાય છે.

આપણી ઇચ્છાથી ક્યાં રોકાય છે?

આવનારા આવે એવા જાય છે.

હા, સરળ છે પણ સરળ એટલું નથી,

મનનું ધાર્યું કોઈક વેળા થાય છે.

જિંદગીની રમ્ય ઘટનાઓ બધી,

તું જો સાથે હોય તો સમજાય છે.

હવાને બાચકાં નાહક ભર,

કદી ક્યાં કોઈથી પકડાય છે?

થાય છે કેટલાં રહસ્યો હસ્તગત,

ત્યારે દરવેશ કૈં મલકાય છે.

ઘરની બરબાદી ઉપર હસવું પડે,

‘મીર’ દીવાના પછી કહેવાય છે.

સ્રોત

  • પુસ્તક : અધખૂલાં દ્વાર (પૃષ્ઠ ક્રમાંક 10)
  • સર્જક : રશીદ મીર
  • પ્રકાશક : ધબક પ્રકાશન
  • વર્ષ : 1998