જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી
jevi mali aa jindagi, tevi gami hati
મનસુખ નારિયા
Mansukh Nariya
જેવી મળી આ જિંદગી, તેવી ગમી હતી,
તો પણ હંમેશાં લાગતું, થોડી કમી હતી.
આધાર એનો ક્યાં હશે, એ જાણતી હશે,
થોડીક ડાળો મૂળ તરફ પણ નમી હતી.
આંખો વડે ઊંડાણથી ઉલેચવા છતાં,
ખારાશ લોહીની કદીયે ક્યાં સમી હતી?
થંભી જવાના આખરે ધબકાર સ્હેજમાં,
શ્વાસોનો બોજ આ હવા ક્યારે ખમી હતી?
ઇચ્છા સવારે સૂર્યની જેમ જ ઊગે સતત,
પણ એ કદી ક્યાં સાંજ થઈને આથમી હતી?
મેં રક્તમાં રાખી હતી એ ઝંખનાઓ પણ,
મારી જ સામે કેટલા દાવો રમી હતી!
સ્રોત
- પુસ્તક : રજકણથી રક્તકણમાં (પૃષ્ઠ ક્રમાંક 28)
- સર્જક : મનસુખ નારિયા
- પ્રકાશક : કાઉન્સિલ ઓફ આર્ટ એન્ડ કલ્ચર
- વર્ષ : 2003