એક પીળક પરોઢે બોલે છે
ek pilak parodhe bole chhe
મનોજ ખંડેરિયા
Manoj Khanderia

એક પીળક પરોઢે બોલે છે
મારી નીંદર ડાળ ઠોલે છે
કોઈ ઊભું બહાર દરવાજે
એ જ અંદરથી દ્વાર ખોલે છે
એક ગમતી ગલી ઉઠાવી લે
ગામ આખું ચડેલું ઝોલે છે
આંખ તગતગતી લીલ ઇચ્છાની
હા, હજી કોઈ આ બખોલે છે
ચન્દ્રકિરણોની કૂણી આંગળીઓ
મગફળી જેમ મુજને ફોલે છે
મૂકી પારેવું સામે પલ્લામાં
આ રીતે કોણ મુજને તોલે છે?
શ્વાસના ધારદાર ચપ્પુથી–
આ હવા મારું હોવું છોલે છે.



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1979 (પૃષ્ઠ ક્રમાંક 38)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ