રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરો
હું મારી ટૂંકે—
hun mari tunke
રાજેન્દ્ર શુક્લ
Rajendra Shukla
હમણાં એવું થાતું બઉ, હું મારી ટૂંકે જઈ રઉં,
અહિંયાં તો કરડે છે કઉ, હું મારી ટૂંકે જઈ રઉં!
પછે પ્રયોજન પૂરણ સઉ, હું મારી ટૂંકે જઈ રઉં,
અહીંનું સાથે કંઈ ના લઉં, હું મારી ટૂંકે જઈ રઉં!
કહીકહીને કોને કઉં, હું મારી ટૂંકે જઈ રઉં,
ક્યાં લગ કુટાઉં અથડઉં, હું મારી ટૂંકે જઈ રઉં!
બાકી જે કૈં ત્યાં જઈ ગઉં, હું મારી ટૂંકે જઈ રઉં,
મને ય લાગે કે હું છઉં, હું મારી ટૂંકે જઈ રઉં!
જારબાજરો છોડ્યા ઘઉં, હું મારી ટૂંકે જઈ રઉં,
ભખું પવન, બીજું ના ખઉં, હું મારી ટૂંકે જઈ રઉં!
ઠેઠ લગની ડણકું દઉં, હું મારી ટૂંકે જઈ રઉં,
ભલે તળેટીમાં પડઘઉં, હું મારી ટૂંકે જઈ રઉં!
અલખ અલખ ગિરનારી સઉ, હું મારી ટૂંકે જઈ રઉં,
હોવાની ભેળો હું હઉં, હું મારી ટૂંકે જઈ રઉં!
સ્રોત
- પુસ્તક : લઘુ ગઝલસંહિતા (પૃષ્ઠ ક્રમાંક 105)
- સર્જક : રાજેન્દ્ર શુક્લ
- સંપાદક : અનિરુદ્ધસિંહ ગોહિલ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 2022