hun chahero tyan ja chhoDine tane malwa nahin awun - Ghazals | RekhtaGujarati

હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું

hun chahero tyan ja chhoDine tane malwa nahin awun

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
હું ચહેરો ત્યાં જ છોડીને તને મળવા નહીં આવું
ખલીલ ધનતેજવી

હું ચહેરો ત્યાં છોડીને તને મળવા નહીં આવું,

કે દર્પણ તોડીફોડીને તને મળવા નહીં આવું.

ખુમારી તો ખરેખર વારસાગત ટેવ છે મારી,

હું મારી ટેવ છોડીને તને મળવા નહીં આવું.

કહે તો મારું માથું મૂકી લાઉં હથેળી પર,

પરંતુ હાથ જોડીને તને મળવા નહીં આવું.

તું દરિયો છે તો મારું નામ ઝાકળ છે જાણી લે,

નદીની જેમ દોડીને તને મળવા નહીં આવું.

ટકોરા દઈશ ને દરવાજો તારે ખોલવો પડશે,

કોઈ દીવાલ તોડીને તને મળવા નહીં આવું.

ખલીલ, આવીશ તો કે’જે કે ઉઘાડે છોગ હું આવીશ,

હું માથામોઢ ઓઢીને તને મળવા નહીં આવું.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 90)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008