ગંગા જમના
ganga jamna
અનવર જેતપુરી
Anwar Jetpuri

નિત્ત વધુ બાળી રહી છે બળતરા દિલની મને
શું કરૂં! શોધી નથી મળતી દવા દિલની મને
તે વચનના આશ્વાસન પણ હવે દેતા નથી
એટલે ઘેલો કરે છે ઘેલછા દિલની મને
આપના એકજ ઇશારે મારૂં દિલ મેં દઈ દીધું
આપ તો કે’તા નથી કંઈ આપના દિલની મને
જાય છે ગંગા ને જમના બેઉં મારી આંખથી
યાદ આવી છે પ્રલયમાં દુર્દશા દિલની મને
આપ મારાથી બધી વાતો છુપાવો છે મગર
મારૂં દિલ કે’ છે કથા સૌ આપના દિલની મને
જિંદગી બગડી ગઈ મારી આ, કોના હાથથી
કોણ આવી દઈ ગયું આ વેદના દિલની મને
વેદના મારા હૃદયની જાણી “અનવર” શું કરૂં?
જાણવી છે વેદનાઓ પારકા દિલની મને
(4-3-1944)



સ્રોત
- પુસ્તક : મહેરામણ (પૃષ્ઠ ક્રમાંક 25)
- સર્જક : 'અનવર' જેતપુરી
- પ્રકાશક : અ૦ સત્તાર ફાજલાણી
- વર્ષ : 1968