hridayna dardni tamne jara jo kalpana aawe - Ghazals | RekhtaGujarati

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે

hridayna dardni tamne jara jo kalpana aawe

કામિલ વટવા કામિલ વટવા
હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે
કામિલ વટવા

હૃદયના દર્દની તમને જરા જો કલ્પના આવે,

કસમથી આપની જીભે સદા સો-સો દુઆ આવે.

તમારી હોય જો ઇચ્છા વધાવી લઉં હું એને પણ,

સકળ બ્રહ્માંડની ઘેરાઈ મુજ પર જો વ્યથા આવે,

સહન હું તો કરી લઉં છું, ન સહેવાશે તમારાથી,

એ પાનું ફેરવી દેજો, જ્યાં મારી વારતા આવે.

જરા ઘૂંઘટ હટાવી ઝાંખવું નજરો બચાવીને,

અમારી જાન જાએ ને તમોને તો મજા આવે.

તમારા વાયદાઓ છે કે રેતી પર મિનારાઓ,

તમારું આવવું જાણે કે પશ્ચિમથી ઉષા આવે.

નજર દિલ પર પડે છે તો આ જખ્મો એમ ફૂલે છે,

કે પથ્થર જાય પાણીમાં ને ઉપર બુદબુદા આવે.

મરણનું મૂલ્ય જીવનથી વધારે એ રીતે લાગ્યું,

ન આવે કોઈ જ્યાં મળવાને ત્યાં આખી સભા આવે.

શિકાયત શું કરે દિલ કોઈ ના આવે ગજું શું છે?

મોહબ્બત હો જો ‘કામિલ' તો ખુદ પાસે ખુદા આવે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 77)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4