houn chhun - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

હોઉં છું

houn chhun

કિશોર મોદી કિશોર મોદી
હોઉં છું
કિશોર મોદી

હોવું લાગે છે; છલોછલ હોઉં છું

જ્યાં જુઓ ત્યાં હું મનોમન હોઉં છું

કૈંક દૃશ્યોની ભીતર કે બ્હાર હું

ત્રણ અવસ્થામાં તસોતસ હોઉં છું

ક્ષણોની એક કોકિલ ડાળ પર

કોની ઈચ્છાથી ભવોભવ હોઉં છું?

પાપ-પૂણ્યોની મૂલવણી કાં કરું?

તીર, દશરથ ને સરોવર હોઉં છું

કોઈ તમરાવશ તિમિરની ખીણમાં

મેશના ડાઘા બરાબર હોઉં છું

હું ઊભો વૈતરણી કે યમદ્વાર પણ

જીવસોતો તુજ અડોઅડ હોઉં છું

લે ત્રિશંકુ થઈ લટકવાનું થયું

અધવચાળે જીવસટોસટ હોઉં છું

છાંય છું હું, ખુદ બળું છું રાખમાં

દેવહૂમાની પળેપળ હોઉં છું

હું પવન-શા પાતળા સંકલ્પથી

ફૂલ ફોરમની વચોવચ હોઉં છું

તારી ગ્રીવામાં ગઝલની ફૂલમાળ

તારા ચરણોની લગોલગ હોઉં છું

સ્રોત

  • પુસ્તક : ગઝલ 81-82 (પૃષ્ઠ ક્રમાંક 16)
  • સંપાદક : હર્ષદ ચંદારાણા
  • પ્રકાશક : રૂપાલી પબ્લિકેશન
  • વર્ષ : 1983