hoiyen tyan ja jhalahaliyen! - Ghazals | RekhtaGujarati

હોઈયેં ત્યાં જ ઝળહળિયેં!

hoiyen tyan ja jhalahaliyen!

રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્ર શુક્લ
હોઈયેં ત્યાં જ ઝળહળિયેં!
રાજેન્દ્ર શુક્લ

એક ને એક જ સ્થળે મળિયેં અમે,

હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,

પિંડ ક્યાં પેટાવવા પળિયેં અમે?

હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે.

હેત દેખીને ભલે હળિયેં અમે

હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે,

પાંચ ભેળાં સાવ શેં ભળિયેં અમે,

હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે.

ઊભરાવું હોય તો શમવું પડે,

ઊગિયેં જો તો જ આથમવું પડે

મેરુ ચળશે પણ નહીં ચળિયે અમે,

હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે.

કૈંક સમજ્યા ત્યારથી બેઠા છિયેં,

હાથમાં હુક્કો લઈ આ ઢોલિયે

કયાંથી મળિયેં કોકને ફળિયે અમે,

હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે.

શબ્દના દીવા બળે છે ડેલિયે,

આવતલ આવી મળે છે ડેલિયે,

સ્વપ્ન જેવું શીદ સળવળીયેં અમે,

હોઈયેં જ્યાં ત્યાં જ ઝળહળિયેં અમે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી ઊર્મિકાવ્યો (પૃષ્ઠ ક્રમાંક 100)
  • સંપાદક : જયન્ત પાઠક, રમણલાલ પાઠક
  • પ્રકાશક : આદર્શ પ્રકાશન
  • વર્ષ : 1983