ho weg kanik ewo - Ghazals | RekhtaGujarati

હો વેગ કંઈક એવો

ho weg kanik ewo

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
હો વેગ કંઈક એવો
બરકત વીરાણી 'બેફામ'

હો વેગ કંઈક એવો વાસંતી વાયરામાં

એકાદ ફૂલ આવે ઊડીને પીંજરામાં.

બીજે તો ક્યાં વિતાવું રાતો ઉજાગરામાં?

બેસી ગયો છું જઈને તારાના ડાયરામાં

દિલ! કસર કોઈ રહી જાય સરભરામાં,

આવે છે એમને તો ઓછું જરા જરામાં.

બેચાર કંટકોના ડંખોની વાત ક્યાં છે?

ચાલ્યા છીએ અમે તો ઝાડી ને ઝાંખરામાં.

ઈશ્વરને કાજ આખા પથ્થરની શી જરૂરત?

તો વસી રહ્યો છે એકેક કાંકરામાં.

હું એકલો આજે ભટકી રહ્યો છું જગમાં,

તો બીજાની પાસે બેઠાં છે માયરામાં.

બેફામ શાયરીમાં ગુમ થઈ ગયા છે એવા,

મળશે અગર તો મળશે કોઈ મુશાયરામાં.

બેફામ મૂળમાં તો હું જીવ છું ગગનનો,

તો ભૂલો પડ્યો ને આવી ગયો ધરામાં.

બેફામ બંધ આંખે તું કેમ જોઈ શકશે?

બેઠા છે મારનારા પણ તારા ખરખરામાં.

સ્રોત

  • પુસ્તક : પ્યાસ (પૃષ્ઠ ક્રમાંક 108)
  • સર્જક : બરકત વિરાણી ‘બેફામ’
  • પ્રકાશક : સુમન પ્રકાશન
  • વર્ષ : 1994
  • આવૃત્તિ : 3