hay sharam - Ghazals | RekhtaGujarati

એક પણ શબ્દ ન મુખમાંથી સર્યો હાય શરમ

આંખ ઢાળી ને મને જામ ધર્યો હાય શરમ

રૂપનો લ્હેરતો સાગર ને નિચોવાતું દિલ

પ્રેમમાં હું તો ન જીવ્યો કે મર્યો હાય શરમ

કોઈ ક્હેતું હતું ઘૂંઘટને ખસેડી હળવે

નીચી નજરે મને બેચેન કર્યો હાય શરમ

ધ્રૂજતા હાથે ઉતાવળ આ કરી છે ભારે

હાર કોનો હતો ને કોને વર્યો હાય શરમ

રૂપનો ચોર કહ્યો સાંભળી ચુપચાપ રહ્યો

હું તો દિલ આપીને પણ ચોર ઠર્યો હાય શરમ

અંગુલિ સ્હેજ અડી – વીજળી જાણે કે પડી

શો ફરેબી હતો એ ક્રોધ નર્યો હાય શરમ

એના પડછાયામાં જ્યાં મારો સર્યો પડછાયો

હાથ છોડીને મને દૂર કર્યો હાય શરમ

સ્રોત

  • પુસ્તક : દીવાન-એ-આદમ (પૃષ્ઠ ક્રમાંક 78)
  • સર્જક : શેખાદમ આબુવાલા
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 1992