હવે અહીંથી પાછાં જવું જોઈએ
have ahiinthii paachaan javun joiye
હિમલ પંડ્યા
Himal Pandya

હવે અહીંથી પાછાં જવું જોઈએ,
ચલો, સ્વપ્ન કોઈ નવું જોઈએ.
મળ્યું છે, તો કંઈ આપવું જોઈએ,
કશું એ રીતે પામવું જોઈએ.
કાં નફરતનું પલ્લું નમેલું રહે?
તમારે નવું ત્રાજવું જોઈએ.
ચરણ એકબીજાંને કહેતાં હતાં,
હવે આપણે થાકવું જોઈએ.
નજરની લિપિ ના ઉકેલી શક્યાં!
તમારે ફરી વાંચવું જોઈએ.
તને ભૂલવું સ્હેજ અઘરું તો છે,
અમારાથી એ પણ થવું જોઈએ.



સ્રોત
- પુસ્તક : - ત્યારે જીવાય છે (પૃષ્ઠ ક્રમાંક 98)
- સર્જક : હિમલ પંડ્યા
- પ્રકાશક : કવિતાકક્ષ ભાવનગર
- વર્ષ : 2021