hamara rah - Ghazals | RekhtaGujarati

હમારા રાહ

hamara rah

કલાપી કલાપી
હમારા રાહ
કલાપી

કટાયેલું અને બૂઠું ઘસીને તીક્ષણ તેં કીધું;

કર્યું પાછું હતું તેવું, અરે! દિલબર હૃદય મારું!

ગમોના જામ પી હરદમ ધરી માશૂક! તને ગરદન;

ખંજરથી કર્યા ટુકડા! જામેઈશ્ક પાયો વા!

પછી બસ! મસ્ત દિલ કીધું, ઉઘાડી ચશ્મ મેં જોયું;

સિતમગર તોય તું મારો, ખરે ઉસ્તાદ છે પ્યારો!

ગુલો મેં બાગનાં તોડી દીધાં સૌ ધૂળમાં ચોળી;

બિછાનું ખારનું કીધું, ઉપર લેટી રહ્યો તે હું!

મુબારક હો તમોને તમારા ઈશ્કના રસ્તા;

હમારો રાહ ન્યારો છે, તમોને જે ફાવ્યો તે!

તમારા માર્ગમાં મજનૂ અને લૈલા, શીરીં, ફરહાદ

ચિરાયેલાં કપાયેલાં પડ્યાં છે લોહીથી ભીના!

ગુલામો કાયદાના છે! ભલા! કાયદો કોનો?

ગુલામોને કહું હું શું? હમારા રાહ ન્યારા છે!

મને ઘેલો કહી લોકો, હઝારો નામ આપો છો!

હમો મનસૂરના ચેલા ખુદાથી ખેલ કરનારા!

નહીં જાહોજહાલીના, નહીં કીર્તિ, ઉલ્ફતના

હમે લોભી છીએ, ના! ના! હમારા રાહ ન્યારા છે!

તમારી બેવફાઈના, હરામી ને હલાલીના

ચીરી પડદા હમે ન્યારા, હમારા રાહ ન્યારા છે!

હમે મગરૂર મસ્તાના, બિયાંબામાં રઝળનારા!

ખરા મહબૂબ સિંહો ત્યાં! હમારા રાહ છે ન્યારા!

કુરંગો જ્યાં કૂદે ભોળાં, પરિન્દાનાં ઊડે ટોળાં;

કબૂતર ઘૂઘવે છે જ્યાં, હમારા મહેલ ઊભા ત્યાં!

લવે છે બેત નદીઓ જ્યાં, ગઝલ દરખત રહ્યાં ગાતાં,

હમે ત્યાં નાચતા નાગા, હમારા રાહ છે ન્યારા!

તમારા કૃષ્ણ ને મોહમદ, તમારા માઘ, કાલિદાસ,

બિરાદર બધા મારા! હમારા રાહ છે ન્યારા!

હતાં મહેતો અને મીરાં ખરાં ઈલ્મી, ખરાં શૂરાં:

હમારા કાફલામાં મુસાફિર બે હતાં પૂરાં!

પૂજારી હમારાં, ને હમો તો પૂજતા તેને,

હમારાં હતાં માશૂક, હમો તેના હતા દિલબર!

તમારા રાજ્યદ્વારોના ખૂની ભપકા નથી ગમતા;

મતલબની મુરવ્વત ત્યાં, ખુશામદના ખઝાના જ્યાં!

હમો તમને નથી અડતા, હમોને છેડશો કો ના!

લગાવી હૂલ હૈયે મેં નિચોવી પ્રેમ દીધો છે!

હવાઈ મહેલના વાસી હમે એકાન્તદુઃખવાદી!

હમોને શોખ મરવાનો! હમારો રાહ છે ન્યારો!

ખુવારીમાં મસ્તી છે! તમે ના સ્વાદ ચાખ્યો એ!

હમોને તો જગત ખારું થઈ ચૂક્યું! થઈ ચૂક્યું!

સ્રોત

  • પુસ્તક : કલાપીનો કાવ્યકલાપ (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : અનંતરાય મ. રાવળ
  • પ્રકાશક : ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય
  • વર્ષ : 2011