Hakthi Vadhare Lesh Amare Na Joiae - Ghazals | RekhtaGujarati

હકથી વધારે લેશ અમારે ન જોઈએ

Hakthi Vadhare Lesh Amare Na Joiae

કુતુબ આઝાદ કુતુબ આઝાદ
હકથી વધારે લેશ અમારે ન જોઈએ
કુતુબ આઝાદ

હકથી વધારે લેશ અમારે ન જોઈએ,

હક થાય છે તે આપો, વધારે ન જોઈએ.

મઝધારમાં થયું તે થયું વાત વહી ગઈ,

તૂફાનનો અજંપો કિનારે ન જોઈએ.

હૈયામાં એનો પડઘો પડે તો જ મૂલ્ય છે,

અલ્લાહનો અવાજ મિનારે ન જોઈએ.

સ્હેલાઈથી જે પાળી શકો એ જ ધર્મ છે,

નિયમ કોઈ તલવારની ધારે ન જોઈએ.

'આઝાદ' જિંદગીની મજા ઔર છે એ દોસ્ત,

આ જિંદગી પરાયે સહારે ન જોઈએ.

સ્રોત

  • પુસ્તક : અમર ગઝલો (પૃષ્ઠ ક્રમાંક 52)
  • સંપાદક : એસ. એસ. રાહી, રાજેશ વ્યાસ 'મિસ્કીન'
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની, અમદાવાદ
  • વર્ષ : 2024
  • આવૃત્તિ : પ્રથમ આવૃત્તિ, પુનર્મુદ્રણ