hakiikatthii anubhav thaay chhe ulto ja duniyaamaan - Ghazals | RekhtaGujarati

હકીકતથી અનુભવ થાય છે ઉલટો જ દુનિયામાં

hakiikatthii anubhav thaay chhe ulto ja duniyaamaan

બરકત વીરાણી 'બેફામ' બરકત વીરાણી 'બેફામ'
હકીકતથી અનુભવ થાય છે ઉલટો જ દુનિયામાં
બરકત વીરાણી 'બેફામ'

હકીકતથી અનુભવ થાય છે ઉલટો જ દુનિયામાં;

કે છે જાહેર તારું રૂપ, મારો પ્રેમ પરદામાં.

નથી ઊઠતાં તુફાનો જ્યાં સુધી આ શાંત દરિયામાં,

કિનારાનું જ એક વાતાવરણ લાગે છે નૌકામાં.

છૂટા પડતાં હવે મંઝિલ સમાં લાગી રહ્યા છે એ,

કદી સહચર બની આવ્યાં હતાં જે મારા રસ્તામાં.

નથી એ ગમ કે દુનિયામાં મને કંઈયે નથી મળતું,

મને એની ફિકર છે કે તમે પણ છો આ દુનિયામાં.

નથી કરતા નિરાશ એ લોકોને કહું છું ક્ષમા માગી,

બીજી રીતે રિબાવો છો તમે રાખીને આશામાં.

નિખાલસ થઈને મેં આ મેળવ્યો છે હાથ દોસ્તીનો,

સમજતો નહિ કે હું આવી ગયો છું તારા પંજામાં.

સુનારા ફૂલશય્યા પર, તને શું જાણ કાંટાની?

કે એ ઊંઘવા નહીં દેશે તને મળશે જો સપનાંમાં.

ખુદા, આ મારાં અશ્રુબિંદુઓમાંથી ચમક લઈ લે;

કે મારે વ્યક્ત કરવો છે જીવન-અંધકાર રોવામાં.

જલે ઈર્ષ્યાથી કોઈ તો મને ગમતું નથી બેફામ,

હૃદયને ઠારવાનું ધ્યેય છે મારી કવિતામાં.

સ્રોત

  • પુસ્તક : સમગ્ર બરકત વિરાણી 'બેફામ' (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : રમેશ પુરોહિત
  • પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
  • વર્ષ : 2023