રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો
રજિસ્ટ્રેશન કરોતમારી પાસે સઘળું છે, તમે પુષ્કળ ખરીદ્યું છે,
પરંતુ ભેટનો આનંદ ક્યાં? કેવળ ખરીદ્યું છે.
હું બહુ મહેનત કરું છું, તું કરે છે જીહજૂરી બસ,
મેં ફળનું ઝાડ વાવ્યું છે ને તેં એક ફળ ખરીદ્યું છે.
એ સુંદર છે, તમારી આંખને એની જરૂરત ક્યાં?
આ તો દુનિયાથી એને રક્ષવા કાજળ ખરીદ્યું છે.
પ્રભુ કોની પ્રસાદી જોઈને રાજી થશે બોલો?
મેં રાખ્યું છે હૃદય નિર્મળ, તમે શ્રીફળ ખરીદ્યું છે.
તમારું હૈયું ક્યાંથી સાચવે એ, એ ઉમળકો ક્યાં?
તમારું હૈયું એ જીત્યા નથી, કેવળ ખરીદ્યું છે.
બહુ મોંઘા છે એથી સાચવું છું પીઠના જખ્મો,
મેં અઢળક પ્રેમના બદલામાં થોડું છળ ખરીદ્યું છે.
ત્યજી છે સ્થિરતા ત્યારે આ ગમતો નાદ પામ્યો છું,
બધી ગમતી જગા છોડી સતત ખળખળ ખરીદ્યું છે.
કોઈ રસ્તા ખરીદી લે, કોઈ મંજિલ ખરીદી લે,
ને મેં થાક્યા પછી પણ દોડવાનું બળ ખરીદ્યું છે.
સ્રોત
- પુસ્તક : જાતે પ્રગટ થશે… (પૃષ્ઠ ક્રમાંક 22)
- સર્જક : વિકી ત્રિવેદી
- પ્રકાશક : ઝેન ઓપસ
- વર્ષ : 2024