gulamhor - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

લાલઘૂમ તાપમાં મ્હોરતો, મસ્તીનો

તોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

નગરની વચોવચ હતો એક

ગુલમ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પૂછું છું બારને બારીને ભીંતને

લાલ નળિયાં છજાં ને વળી ગોખને-

રાત દિ’ ટોડલે બેસીને ગ્હેકતો

મોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી.

કૈં ખૂટ્યું નથી, કૈં ગયું પણ નથી,

જરઝવેરાત સહુ એમનું એમ છે!

તે છતાં લાગતું સઘળું લૂંટી અને

ચોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

સાવ સૂની બપોરે ઘડી આવીને

એક ટહુકો કરી, ફળિયું ભરચક ભરી

આંખમાં આંસુ આંજી અચાનક

શકરખોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

કેટલાં વર્ષથી સાવ કોરાં પડ્યાં

ઘરનાં નેવાં ચૂવાનુંય ભૂલી ગયાં

ટપકતો ખાલીપો પૂછતોઃ મેઘ

ઘનઘોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

જિંદગીના રૂપાળા ચહેરા ઉપર

ઉઝરડા ઉઝરડા સેંકડો ઉઝરડા

કોણ છાના પગે આવી મારી ગયું

ન્હોર, તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

પાછલી રાતની ખટઘડીએ હજી

તળેટી ને દામોદર કુંડ પણ-

ઝૂલણા છંદમાં નિત પલળતો

પ્રથમ પ્હોર તે ક્યાં ગયો કોઈ કહેતું નથી

રસપ્રદ તથ્યો

ગિરી તળેટી ને કુંડ દામોદર, ત્યાં મહેતાજી નાહવા જાય...એવા એક ભજનમાં જુનાગઢ તીર્થભૂમિ શ્રી કૃષ્ણ અને તેના પરમ ભકત નરસિંહના નામ સાથે સંકળાયેલી છે. જુનાગઢમાં ગિરનાર તરફ જવાના રસ્તા ઉપર દામોદર કુંડ આવેલો છે. લોકવાયકા છે કે, અહીં નરસિંહ મહેતા રોજ સ્નાન કરવા આવતાં હતાં.

સ્રોત

  • પુસ્તક : આપણી કવિતાસમૃદ્ધિ (ઉત્તરાર્ધ) (પૃષ્ઠ ક્રમાંક 265)
  • સંપાદક : ચન્દ્રકાન્ત ટોપીવાળા
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 2004