gulal mel, man! - Ghazals | RekhtaGujarati

ગુલાલ મેલ, મન!

gulal mel, man!

હેમંત દેસાઈ હેમંત દેસાઈ
ગુલાલ મેલ, મન!
હેમંત દેસાઈ

રૂપ અને રંગનાં વહાલ મેલ, મન!

જોયું ઘણું જોયા તણા ખયાલ મેલ, મન!

જો રંગની હોય મઝા તો બીજા નથી?

હોરી ગઇ વીતી હવે ગુલાલ મેલ, મન!

સાગર સમા થવું કિન્તુ ખાર લાધશે,

મોટા થઈ જવાની ધમાલ મેલ, મન!

ઉજ્જડ જીવનની રાત, સફરનો ધ્રુવ કો,

તું દૂરદર્શિતાની મશાલ મેલ, મન!

પામે ફૂલ ડાળનોય આશરો સદા,

આલંબને જીવી જવાનો ખ્યાલ મેલ, મન!

પાછળ ગયું શું? ને શું આવશે હવે પછી!

તું ચાલ, વ્યર્થના બધા સવાલ મેલ, મન!

જોયું જશે કદીક સ્વપ્ન જો મળે મધુર,

જાગ્યા પછી હવે શું? આશ હાલ મેલ, મન!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 259)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4