gujare je shire tare - Ghazals | RekhtaGujarati

ગુજારે જે શિરે તારે

gujare je shire tare

બાલાશંકર કંથારિયા બાલાશંકર કંથારિયા
ગુજારે જે શિરે તારે
બાલાશંકર કંથારિયા

ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્હેજે,

ગણ્યું જે પ્યારું પ્યારાએ અતિ પ્યારૂં ગણી લેજે.

દુનીઆની જુઠી વાણી વિષે જો દુઃખ વાસે છે,

જરાએ અંતરે આનંદ ના ઓછો થવા દેજે.

કચેરી માંહિ કાજીનો નથી હીસાબ કોડીનો,

જગત કાજી બનીને તું વહોરી ના પિડા લેજે.

જગતના કાચના યંત્રે ખરી વસ્તુ નહીં ભાસે,

સારા કે નઠારાની જરાએ સંગતે રહેજે.

રહેજે શાંતિ સંતોષે સદાએ નિર્મળે ચિત્તે,

દિલે જે દુઃખ કે આનંદ કોઈને નહીં ક્હેજે. પ

વસે છે ક્રોધ વૈરી ચિત્તમાં તેને તજી દેજે,

ઘડી જાએ ભલાઈની મહાલક્ષ્મી ગણી લેજે.

રહે ઉન્મત્ત સ્વાનંદે ખરૂંએ સુખ માની લે,

પિયે તો શ્રી પ્રભૂના પ્રેમનો પ્યાલો ભરી પીજે.

કટુ વાણી સુણે જો કોઇની, વાણી મિઠી ક્હેજે,

પરાઈ મૂર્ખતા કાજે મુખે ના ઝેર તું લેજે.

અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો,

માગે દોડતું આવે વિશ્વાસે કદી રહેજે. ૯

અહો શું પ્રેમમાં રાચે નહીં ત્યાં સત્ય પામે તું?

અરે તું બેવફાઈથી ચડે નિંદા તણો નેજે. ૧૦

લહે છે સત્ય જે સંસાર તેનાથી પરો રહેજે,

અરે કીમિયાની જો મઝા છે તે પછી ક્હેજે. ૧૧

વફાઈ તો નથી આખી દુનીઆમાં જરા દીઠી,

વફાદારી બતા’વા ત્યાં નહીં કોઈ પળે જાજે. ૧ર

રહી નિર્મોહિ શાંતીથી રહે સૂખ મોટું છે,

જગત બાજીગરીનાં તું બધાં છલ્બલ જવા દેજે. ૧૩

પ્રભૂના નામનાં પુષ્પો પરોવી કાવ્યમાળા તું,

પ્રભુની પ્યારિ ગ્રીવામાં પહેરાવી પ્રિતે દેજે. ૧૪

કવી રાજા થયો શી છે પછી પીડા તને કાંઈ?

નિજાનંદે હંમેશા बाल મસ્તીમાં મઝા લેજે. ૧પ

સ્રોત

  • પુસ્તક : ક્લાન્ત કવિ (પૃષ્ઠ ક્રમાંક 104)
  • સંપાદક : ઉમાશંકર જોષી
  • પ્રકાશક : ગૂજરાત સાહિત્ય સભા
  • વર્ષ : 1942