grast chhun - Ghazals | RekhtaGujarati

ગ્રસ્ત છું...

grast chhun

નયના જાની નયના જાની
ગ્રસ્ત છું...
નયના જાની

એની અસરથી ગ્રસ્ત છું, સાચું કહું, સખી!

એને શ્વાસ શ્વસ્ત છું, સાચું કહું, સખી!

એમ ગમી ગયું અને કારણ કશું નથી,

ખ્યાલમાં મસ્ત છું, સાચું કહું, સખી!

એનું બધું જેવું હો તેવું ગમે મને,

તું કે'તો બુતપરસ્ત છું, સાચું કહું, સખી!

કંઈ પણ અડ્યું કે તુર્ત સજીવન બની જતું,

એવો કદાચ હસ્ત છું, સાચું કહું, સખી!

અંદર ઊગે ને આથમે રંગો ભરી ક્ષણો,

હું ખુદ ઉદય ને અસ્ત છું, સાચું કહું, સખી!

સુખદુઃખ કશેય હો મને મારા લાગતાં,

સંવેદના સમસ્ત છું, સાચું કહું સખી!

આંગણ મહીં રમ્ય મધુર ધૂપ-છાંવ છે,

નિરખ્યા કરું છું, વ્યસ્ત છું, સાચું કહું સખી!

લોકો સુગંધનું અરે, નામ શોધતા,

નિર્નામ હું તો મસ્ત છું, સાચું કહું સખી!

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999