રોજ ઊંચી દીવાલ ચણતું ઘર;
ઘરની અંદર કદી ન મળતું ઘર.
કોઈ રઝળ્યા કરે છે ઘર માટે,
ક્યાંક જોવા મળે રઝળતું ઘર.
ખોદતા ખોદતા હવે થાક્યો,
ખૂબ ઊંડે સુધી નીકળતું ઘર.
છે સુગંધીસભર સુખડશય્યા,
આજ છેલ્લી વખત સળગતું ઘર.
ક્યાં જઉં કાટમાળ છોડીને?
બાથ ભીડી મને વળગતું ઘર.
(૩૦-૦૬-૨૦૦૮)



સ્રોત
- પુસ્તક : પગરવ તળાવમાં (પૃષ્ઠ ક્રમાંક 23)
- સર્જક : અશોક ચાવડા ‘બેદિલ’
- પ્રકાશક : રન્નાદે પ્રકાશન
- વર્ષ : 2014