ghar taraph walyan - Ghazals | RekhtaGujarati

ઘર તરફ વળ્યાં

ghar taraph walyan

જયંત ઓઝા જયંત ઓઝા
ઘર તરફ વળ્યાં
જયંત ઓઝા

પૂરો કરી પ્રવાસ અમે ઘર તરફ વળ્યાં,

છીપી છતાં પ્યાસ અમે ઘર તરફ વળ્યાં.

રસ્તા, બજાર, શેરીઓ કૈં કેટલું ફર્યાં,

છોડી વળાંક ખાસ અમે ઘર તરફ વળ્યાં.

આવી સ્થિતિની જાણ કરે કોઈ તો ગમે,

જોઈને આસપાસ અમે ઘર તરફ વળ્યાં.

વાવે કદાચ કોઈ તો ઊગે અહીં સ્મરણ,

પાડી દઈને ચાસ અમે ઘર તરફ વળ્યાં.

પાદરની રેત પર ઘૂંટીને ‘આવજો' લખ્યું,

જોશે નજર ઉદાસ અમે ઘર તરફ વળ્યાં.

સ્રોત

  • પુસ્તક : ગઝલશતક (પૃષ્ઠ ક્રમાંક 23)
  • સંપાદક : હર્ષદ ત્રિવેદી
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 1999