geetmathi niklelo soor thato jau chhu - Ghazals | RekhtaGujarati

ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું

geetmathi niklelo soor thato jau chhu

રાઝ નવસારવી રાઝ નવસારવી
ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું
રાઝ નવસારવી

ગીતમાંથી નીકળેલો સૂર થાતો જાઉં છું.

હું છું તારા કંઠમાં ને દૂર થાતો જાઉં છું.

કસોટીની ઘડીઓ છે મારી નમ્રતા!

લોકની નજરોમાં હું મશહૂર થાતો જાઉં છું.

હું વધારે પડતો રસ મારામાં લેતો થઈ ગયો.

હું હવે ધીમે ઘીમે મગરૂર થાતો જાઉં છું.

ના, શિખામણ નહિ, વિસામો દો મને ઉપદેશકો

જિંદગીના થાકથી હું ચૂર થાતો જાઉં છું.

તમને જોવાની મને ઇચ્છાઓ ગઈ કાલે હતી.

આજ તો જોવા મને આતુર થાતો જાઉં છું.

‘રાઝ’ એની રાઝદારીનો અંજામ છે,

હું પરાયા નામથી મશહૂર થાતો જાઉં છું.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી કવિતાચયન : 1995 (પૃષ્ઠ ક્રમાંક 71)
  • સંપાદક : રમણ સોની
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1998