gani bataw - Ghazals | RekhtaGujarati

ગણવું કાંઈ હોય તો થડકા ગણી બતાવ,

તેં ફેરવેલ શ્વાસના મણકા ગણી બતાવ.

દુષ્કાળના માઠા વરસમાં આંગણે મૂકી,

ઊડી ગયેલ પંખીનાં પગલાં ગણી બતાવ.

વહેલી સવારે ખીણમાં ફેંકે અવાજ તું,

ને પછી તૂટી જતા પડઘા ગણી બતાવ.

તલવાર જેવો છે સમય, લાચાર તું, હવે?

ભાંગી પડેલ જીવના સણકા ગણી બતાવ.

એકાદ બે કે પાંચ-પચ્ચીસ કે વધુ હશે?

તારા વિષેની તું બધી અફવા ગણી બતાવ.

વાતો કરી છે જાત સાથે એમ તો હરીશ,

રાખ્યા છે કિંતુ કેટલા પડદા? ગણી બતાવ.

સ્રોત

  • પુસ્તક : ભિન્ન ષડ્જ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સર્જક : હરિશ્ચન્દ્ર જોશી
  • પ્રકાશક : રંગદ્વાર પ્રકાશન
  • વર્ષ : 2007