ગંધ તૂરી શ્વાસમાં ને ટેરવે રસ ઊઘડે
Gandh Turi Shvasma Ne Terve Ras Ughade
હેમેન શાહ
Hemen Shah
હેમેન શાહ
Hemen Shah
ગંધ તૂરી શ્વાસમાં ને ટેરવે રસ ઊઘડે,
પાંખ ફફડાવે અને અસ્થિમાં સારસ ઊઘડે.
હું તૃષામાં તરબતર, ધ્રૂજું નહીં તો શું કરું?
હાથ છેટે ખેતરો લીલાં ને લસલસ ઊઘડે.
વાત એવી શું હશે વર્ષાની બરછટ છાંટમાં,
કે અચાનક યાદમાં ચ્હેરાના અતલસ ઊઘડે?
ક્યાં પહોંચ્યો છું વગર ઝાલ્યે પરીની આંગળી?
સ્પર્શ કરવા જાઉં ને શમણાનું ધુમ્મસ ઊઘડે.
સાત રંગોમાં પછી ક્ષમતા બયાનીની નથી,
જો ઉષાની જેમ બસ એકાદ માણસ ઊઘડે.
સ્રોત
- પુસ્તક : તો દોસ્ત હવે સંભળાવ ગઝલ (પૃષ્ઠ ક્રમાંક 79)
- સર્જક : હેમેન શાહ
- પ્રકાશક : એન. એમ. ઠક્કરની કંપની, મુંબઈ
- વર્ષ : 2003
