ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે
gam nathii jo aankh naa luuchhe koii paalav have

ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે
gam nathii jo aankh naa luuchhe koii paalav have
શૂન્ય પાલનપુરી
Shunya Palanpuri

ગમ નથી જો આંખ ના લૂછે કોઈ પાલવ હવે,
જાળવે છે ધૈર્ય પોતે દર્દનું ગૌરવ હવે.
ઝંખના નિષ્ફળ જતાં ઊઠી ગયો વિશ્વાસ પણ,
મનને ભરમાવી નથી શકતો કોઈ પગરવ હવે.
જ્યાં લગી ના ઝંપલાવ્યું ત્યાં લગી ભ્રમણા હતી;
ક્યાંય સાગરમાં નથી ઊંડાણનો સંભવ હવે.
પ્રેમની ભૂરકીમાં શી તાસીર છે ખુદ જોઈ લે,
કેટલો માદક છે તારા રૂપનો આસવ હવે!
ઘૂંઘવાયા પ્રાણ, ત્યારે તો હવા દીધી નહીં;
પાળિયા પર શીશ પટકે છે વૃથા વિપ્લવ હવે.
મૌનને સુપરત કરી દીધો ખજાનો શબ્દનો
આવ કે જોવા સમો છે શૂન્યનો વૈભવ હવે.



સ્રોત
- પુસ્તક : શૂન્યની સૃષ્ટિ (પૃષ્ઠ ક્રમાંક 433)
- સર્જક : શૂન્ય પાલનપુરી
- પ્રકાશક : નવભારત સાહિત્ય મંદિર
- વર્ષ : 2010
- આવૃત્તિ : સંવર્ધિત આવૃત્તિ