kaheta je dadi warta ewi pari chhe dost - Ghazals | RekhtaGujarati

કહેતા જે દાદી વારતા એવી પરી છે દોસ્ત

kaheta je dadi warta ewi pari chhe dost

કૈલાસ પંડિત કૈલાસ પંડિત
કહેતા જે દાદી વારતા એવી પરી છે દોસ્ત
કૈલાસ પંડિત

કહેતા જે દાદી વારતા એવી પરી છે દોસ્ત,

આંખોમાં એની યાદની મહેફિલ ભરી છે દોસ્ત.

હાથે કરીને મેં તો ખોયા છે એમને,

રેખા મેં એવી હાથ મહીં ચીતરી છે દોસ્ત.

પાદરની ભીની મહેકથી ભીનો હજીયે છું,

ખળખળ નદી લોહીની નસમાં ભરી છે દોસ્ત.

એઓ ખરા છે, આમ તો, તો, કબૂલ પણ,

મારીય વાત આમ જુઓ તો ખરી છે દોસ્ત.

રસ્તા ગલી કે શેરીનાં વળગણ ગયાં છે ક્યાં?

તડકાની જેમ ચાંદની પીધા કરી છે દોસ્ત.

‘કૈલાસ’ એને ભૂલવું સંભવ નથી છતાં,

ભૂલી જવાની આમ તો કોશિશ કરી છે દોસ્ત.

સ્રોત

  • પુસ્તક : ખરાં છો તમે (પૃષ્ઠ ક્રમાંક 332)
  • સર્જક : કૈલાસ પંડિત
  • પ્રકાશક : આર. આર. શેઠની કંપની
  • વર્ષ : 1995