gahan - Ghazals | RekhtaGujarati

જરા અટપટી છે, જરા સઘન છે

હવાની હવે ચાલબાજી ગહન છે.

સમયથી પરામુખ થવામાં સુખ છે

વિકટ જ, કે, નિકટનું સ્વજન છે.

જગતની વિગતવાર વાતો કરી લે

હવે જીવવું ખૂબ મોંઘું વ્યસન છે.

જણસ જેમ હું જાળવું દેહ વચ્ચે

અને જીવનું ક્યાંક બીજે વતન છે.

ફિકર છોડ ‘ઇર્શાદ’ ડૂબી જવાની

હવે આપણાં પળ ઉપરનાં શયન છે.

સ્રોત

  • પુસ્તક : ઇર્શાદ (પૃષ્ઠ ક્રમાંક 53)
  • સર્જક : ચિનુ મોદી
  • પ્રકાશક : રન્નાદે પ્રકાશન
  • વર્ષ : 2012