gagan howun joie - Ghazals | RekhtaGujarati

ગગન હોવું જોઈએ

gagan howun joie

રતિલાલ 'અનિલ' રતિલાલ 'અનિલ'
ગગન હોવું જોઈએ
રતિલાલ 'અનિલ'

પગલાં પૂજાય એવું ગમન હોવું જોઈએ;

સમજાય છે કે કેવું જીવન હોવું જોઈએ!

પ્હોંચી શકાય ત્યાં ન ભલે - એનો ગમ નથી,

દૃષ્ટિ સામે નિત્ય ગગન હોવું જોઈએ!

આવે છે એવી કોઈના વ્યક્તિત્વની સુવાસ;

લાગે છે આસપાસ સુમન હોવું જોઈએ!

આઘાં છતાંય પાસ દીસે છે ધરા-ગગન;

કે' છે. ક્ષિતિજ : આવું મિલન હોવું જોઈએ!

થાક્યો નથી. છતાંય કદમ કાં ન ઊપડે?

આંહીં જ ક્યાંક એનું સદન હોવું જોઈએ!

સમજાતું નથી કેમ મને મારું આ જીવન?

એ ખૂબ સરળ યા તો ગહન હોવું જોઈએ!

સમજી ભલે શકાય ના ખુલ્લી જીવન-કિતાબ;

મનમાં સદાય એનું મનન હોવું જોઈએ.

વેરાનમાં રહીશ, મને એનું દુઃખ નથી;

પણ આસપાસ ક્યાંક સુમન હોવું જોઈએ!

મંજૂર હોય સર્વને મારો જીવન-પ્રકાશ,

ચમકી શકું હું એવું ગગન હોવું જોઈએ.

ક્યારેક જોઉં છું અહીં ઝાકળ છવાયેલું,

મન ચ્હાયઃ મારું આવું કફન હોવું જોઈએ.

ઇચ્છા, જગતને પાર જવા થાય કાં 'અનિલ'?

વાસ્તવમાં એ જ મારું વતન હોવું જોઈએ!

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 207)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4