માઝમ રહી
maajham rahii
સીરતી
Sirati

એની વૃષ્ટિની હંમેશાં ધીકતી મોસમ રહી,
દિલની વાડી વેદનાઓથી જ લીલીછમ રહી.
નિતનવાં કંઈ ગુલ ખીલવતી આંખની શબનમ રહી,
સર્વદા દિલના ચમનની ફોરતી ફોરમ રહી.
કાળનાં તૂફાન સૌ જાગી અને પોઢી ગયાં,
ઓ અલૌકિક પ્રેમ! તારી ભાવના કાયમ રહી.
હર્ષનો ઉલ્લાસ હો કે શોકની ઘેરી ઘટા,
ગુંજતી હર હાલમાં દિલની સદા સરગમ રહી.
યાદના વાતાવરણની તે મહામૂલી ઘડી,
ગોદમાં સૂનકાર લઈને રાત આ માઝમ રહી.
જામ સંયમનો છલોછલ થઈને છલકાયો નહિ,
આબરૂ આ ડૂબતા દિલની ફરી કાયમ રહી.
કોઈ સસ્તી કીર્તિ પાછળ એ કદી ભમ્યો નહિ,
શાયરીમાં 'સીરતી'ની ભવ્યતા અણનમ રહી.



સ્રોત
- પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 245)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : પ્રવીણ પુસ્તક ભંડાર
- વર્ષ : 2002
- આવૃત્તિ : ચોથી આવૃત્તિ