aevun nahi - Ghazals | RekhtaGujarati

એવું નહિ

aevun nahi

શૈલેશ ગઢવી શૈલેશ ગઢવી
એવું નહિ
શૈલેશ ગઢવી

પૂઠા પરથી પુસ્તક સમજો એવું નહિ,

ચહેરા પરથી સગપણ બાંધી લેવું નહિ.

મુશ્કેલીમાં મીઠો ઉત્તર વાળું છું,

મારું પાછું સાવ તમારા જેવું નહિ.

વિનાશકાળે વિપરીત બુદ્ધિ થઈ ગઈ છે,

એનાં કર્મનું ફળ બીજાને દેવું નહિ.

મેં તો એને જોઈ નિમંત્રણ આપ્યું છે,

કહેશે ઘર કેવું છે ને કેવું નહિ.

પહેલાં જેવી હૂંફ હવે ક્યાંથી લાવું?

એમ વધારે કાચાં સપનાં સેવું નહિ.

માળો છોડી જાઉં પહેલાં જાણી લે,

ઊડી પાછું આવે પારેવું નહિ.

સ્રોત

  • પુસ્તક : થોડાંઘણાં કબૂતર (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સર્જક : શૈલેશ ગઢવી
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન
  • વર્ષ : 2024