gam akhaman hun wakhnato rahyo - Ghazals | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

ગામ આખામાં હું વખણાતો રહ્યો

gam akhaman hun wakhnato rahyo

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
ગામ આખામાં હું વખણાતો રહ્યો
ખલીલ ધનતેજવી

ગામ આખામાં હું વખણાતો રહ્યો,

તારા ફળિયામાં વગોવાતો રહ્યો.

તારી આંખે તો ફક્ત આંસુ સર્યાં,

હું તો આખેઆખો ભીંજાતો રહ્યો.

તારું હસવું તારી આદત હતી,

હું અમસ્તો મનમાં મૂંઝાતો રહ્યો.

યાદના વંટોળ છાતીમાં ભરી,

હું સતત વીંઝાતો પીંખાતો રહ્યો.

હું કોઈનો માર્ગદર્શક શું બનું,

હું સ્વયં પોતામાં અટવાતો રહ્યો.

ધીકતા તડકાને હું આખું વરસ,

મારો લીલો છાંયડો પાતો રહ્યો.

મોતના પડખામાં બેસીને ખલીલ,

જિંદગીનાં ગીત હું ગાતો રહ્યો.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 102)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008