fakat ae lokne arpan chhe dil maru kala mari - Ghazals | RekhtaGujarati

ફકત એ લોકને અર્પણ છે દિલ મારું કલા મારી

fakat ae lokne arpan chhe dil maru kala mari

મરીઝ મરીઝ
ફકત એ લોકને અર્પણ છે દિલ મારું કલા મારી
મરીઝ

ફકત એ લોકને અર્પણ છે દિલ મારું કલા મારી,

ગઝલવાચન વિના સમજે છે જેઓ વેદના મારી.

હજી તુજથી વફાની આશ રાખે છે વફા મારી,

પછી સાંભળજે, હમણાં તો અધૂરી છે કથા મારી.

શિકાયત શું અગર કોઈ નથી કરતું દયા મારી,

ઘણી વેળા ન દેખાઈ મને પણ દુર્દશા મારી.

નથી એથી વધુ કાંઈ હતી એ કલ્પના મારી,

મગર મારા ગુનાઓથી વધુ નીકળી સજા મારી.

મહોબતમાં ભલા ક્યાંથી રહે સ્વાધીનતા મારી,

તને જે કંઈ પસંદ આવે બની જાએ પ્રથા મારી.

એ સારું છે, કબૂલી લે ઉતાવળથી દુઆ મારી,

નહિ તો આરઝૂ વધતી જવાની ઓ ખુદા મારી.

હંમેશાં સારી વસ્તુ સારા હાથોમાં જ શોભે છે,

ફરિશ્તાઓ હવે મારા વતી માગે દુઆ મારી.

મને ઓ દોસ્તો! એ વાતમાં મજબૂર ના કરજો,

કે મારા હોઠ પર આવીને અટકી જાય 'હા' મારી.

હરીફોને આ મારો રંગ કાંટા જેમ ખટકે છે,

કે હું શબનમ નથી તોયે છે ફૂલોમાં જગા મારી.

હજી સાકી! બુલંદી પર વધુ લઈ જા સુરાલયને,

હજી આકાશની મોહતાજ છે કાળી ઘટા મારી.

સહારાની જરૂરત છે, ગમે ત્યાંથી મળી જાએ,

ગરીબોની હું દૃષ્ટિ છું બધે બંધ છે દિશા મારી.

હું મારા શ્વાસની માયામાં લપટાયો છું દુનિયામાં,

બચાવ ઓ મોત, આવીને મને લાગી હવા મારી.

ખુશામદ નામ જેનું હોય છે દુનિયાની ભાષામાં,

ખુદા સામે રજૂ થાએ તો થઈ જાએ દુઆ મારી.

કહ્યા જે શેર મહેફિલમાં રહ્યા તે મારા અંતરમાં,

કે મેં ઢોળી દીધી તોપણ ન ઢોળાઈ સુરા મારી.

હવે શું રહી ગયું એવું મને જેની તમન્ના હો,

છે મસ્જિદમાં ખુદા મારો, સુરાલયમાં સુરા મારી.

હું માનું કે ન માનું, એની એ પરવા નથી કરતો,

સમય જ્યારે પડે છે લાજ રાખે છે ખુદા મારી.

મહોબતમાં અને વહેવારમાં એક જ તફાવત છે,

તમારું દર્દ હું પૂછું તમે પૂછો દવા મારી.

આ એક શાયરની પંક્તિ છે, ‘મરીઝ' એનું તખલ્લુસ છે,

નથી ગુજરાતના પૂરતી ગઝલ મારી, કલા મારી.

સ્રોત

  • પુસ્તક : પુનરાગમન (પૃષ્ઠ ક્રમાંક 82)
  • સંપાદક : અપૂર્વ આશર
  • પ્રકાશક : નવજીવન ટ્રસ્ટ
  • વર્ષ : 2017