ewun nathi ke teo kashun aapta nathi - Ghazals | RekhtaGujarati

એવું નથી કે તેઓ કશું આપતા નથી

ewun nathi ke teo kashun aapta nathi

અશરફ ડબાવાલા અશરફ ડબાવાલા
એવું નથી કે તેઓ કશું આપતા નથી
અશરફ ડબાવાલા

એવું નથી કે તેઓ કશું આપતા નથી;

પણ માગું કંઈ હું એવું ગજું આપતા નથી.

છે શાંત જળના જેવી ફક્ત ચુપકીદી સતત,

સંકેત એથી કોઈ વધુ આપતા નથી.

ગોપિત નિષેધ કોઈ નશાની લગાડી લત,

મારા હકનું કાંઈ છતું આપતા નથી.

જો દૂર હો તો આપે છે મબલક ફરી ફરી,

ને હોય જો નજીક તો તસુ આપતા નથી.

સાચવી તો લે છે સપાટી ઉપર મને,

ઊંડે જો હું જઉં તો ચરુ આપતા નથી.

પગતાણથી બિછાવે છે શબ્દોને વાતમાં,

પણ છંદ તંગ હો તો લઘુ આપતા નથી.

મારું વજૂદ ગજવે નાખી હરેફરે,

અમથું લઈ ગયા’તા હજુ આપતા નથી.

સ્રોત

  • પુસ્તક : વાણીપત (પૃષ્ઠ ક્રમાંક 31)
  • સર્જક : અશરફ ડબાવાલા
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2013