ewi ja chhe ichchha to mein aa ghoont bharyo, le! - Ghazals | RekhtaGujarati

એવી જ છે ઇચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે!

ewi ja chhe ichchha to mein aa ghoont bharyo, le!

અમૃત ઘાયલ અમૃત ઘાયલ
એવી જ છે ઇચ્છા તો મેં આ ઘૂંટ ભર્યો, લે!
અમૃત ઘાયલ

એવી છે ઇચ્છા તો મેં ઘૂંટ ભર્યો, લે!

છોડ્યો હતો કિન્તુ ફરી મીઠો કર્યો, લે!

લઈ પાંખ મહીં એને ઉગારી લે પવનથી,

સળગે છે હજી દીપ નથી સાવ ઠર્યો, લે!

તક આવી નિમજ્જનની પછીથી તો મળે કયાં,

આંખ કરી બંધ અતિ ઊંડે સર્યો, લે!

મરવાની અણી પર છું છતાં જીવી શકું છું,

સંદેહ તને હોય તો પડખું ફર્યો, લે!

સાચે તમાચાઓથી ટેવાઈ ગયો છું,

અજમાવવો છે હાથ તો ગાલ ધર્યો, લે!

કેમેય કરી ડૂબ્યો નહીં જીવ અમારો,

ડૂબ્યો તો ફરી થઈ અને પરપોટો તર્યો, લે!

‘ઘાયલ’ને પ્રભુ જાણે ગયું કોણ ઉગારી!

મૃત્યુ ગયું સૂંઘી પરંતુ મર્યો, લે!

સ્રોત

  • પુસ્તક : ચૂંટેલી ગઝલો – અમૃત ઘાયલ (પૃષ્ઠ ક્રમાંક 64)
  • સંપાદક : નીતિન વડગામા
  • પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2022