ek tari kalpana je jigar balti rahi - Ghazals | RekhtaGujarati

એક તારી કલ્પના જે જિગર બાળતી રહી

ek tari kalpana je jigar balti rahi

મરીઝ મરીઝ
એક તારી કલ્પના જે જિગર બાળતી રહી
મરીઝ

એક તારી કલ્પના જે જિગર બાળતી રહી,

એક મારી વાસ્તવિકતા કે જાણે નથી રહી.

એક હું કે શોષતી રહી મારી કલા મને,

એક તું કે સૌ કલા તને શણગારતી રહી.

એક હું કે મારો પ્રેમ ન તારા વિના ટકે,

એક તું કે તારી રૂપપ્રભા એકલી રહી.

એક હું કે કોઈ વાત બરાબર ન કહી શકું,

એક તું કે તારી આંખ બધું બોલતી રહી.

એક હું કે કોણ મારી કવિતાને દાદ દે?

એક તું કે તારી વાત સભા સાંભળી રહી.

એક તું કે તારી આંખને જોતું રહ્યું જગત,

એક હું કે મારી આંખ જગત પર ભમી રહી.

એક તું કે તારા હાથમાં દુનિયાની આબરૂ,

એક હું કે મારી આબરૂ મારા સુધી રહી.

એક તારો આશરો જે મળે છે કદી કદી,

એક દિલનું દર્દ છે જે ઊઠે છે રહી રહી.

એક તારું સાંત્વન કે હજારો ‘મરીઝ'ને,

એક મારી વેદના જે દવા શોધતી રહી.

સ્રોત

  • પુસ્તક : પુનરાગમન (પૃષ્ઠ ક્રમાંક 72)
  • સંપાદક : અપૂર્વ આશર
  • પ્રકાશક : નવજીવન ટ્રસ્ટ
  • વર્ષ : 2017