એક જ દશા
Ek Ja Dasha
બરકત વીરાણી 'બેફામ'
Barkat Virani 'Befam'

એક જ દશાનાં દૃશ્ય બે આંખોને તીર છે,
એમાં જ પ્યાસ છે અને એમાં જ નીર છે.
દેખાવમાં તો હાથની થોડી લકીર છે,
પણ એ જીવનની જાળના સૌએ અસીર છે.
દુઃખ એ જ છે કે કોઈ અહીં હમસફર નથી,
નહિ તો આ રાહના તો ઘણા રાહગીર છે.
કોઈ મને પછાડવા કોશિશ કરો નહીં,
જેને હજાર હાથ છે એ દસ્તગીર છે.
ફેલાવવા ન દેશો કદી હાથ એમને,
રાખે છે મુઠ્ઠી બંધ એ સાચા ફકીર છે.
ફાડું છું એક વસ્ત્ર, વણી લઉં છું હું બીજું,
મારામાં એક કૈસ છે તો એક કબીર છે.
જગને બતાવવામાં હવે રસ નથી મને,
પહેલાં હતું જે એ જ હજી પણ ખમીર છે.
પ્રીતિની આ જ સાચી પીડા હોવી જોઈએ,
એ આવશે નહીં ને છતાં મન અધીર છે.
ભટકી રહી છે રૂહ તો એની ગલી મહીં,
બેફામ જે કબરમાં છે એ તો શરીર છે.



સ્રોત
- પુસ્તક : કવિતા - ઑક્ટોમ્બર, 1968 (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ