એક ગેસ્ટાલ્ટ ગઝલ
Ek Gestalt Ghazal
ચંદ્રકાન્ત દત્તાણી
Chandrakant Dattani
ચંદ્રકાન્ત દત્તાણી
Chandrakant Dattani
આમ જુઓ તો કાંઈ નહીં ને આમ જુઓ ચ્હેરાં
આમ જુઓ તો માણસ લાગે આમ જુઓ તો મ્હોરાં
આમ જુઓ તો ઘેઘૂર આંખો આમ નજરની વર્ષા
આમ જુઓ તો બેઉ લથબથ આમ જુઓ તો કોરાં
અમે આંખથી પીધાં તમને તમે હવે ઘટઘટમાં
આમ જુઓ તો જોજન આઘાં આમ જુઓ તો ઓરાં
દર્પણ થઈને ઝીલી રહ્યાં છો શ્યામ અમારી છાયા
આમ બન્યાં કૈં વાને ભીનાં આમ તમે છો ગોરાં
આજ સમય પણ લોહીસોંસરો વરસે એવા લયમાં
આમ જુઓ તો તડકો તડકો આમ જુઓ તો ફોરાં
આમ જુઓ અકબંધ અકબંધ આમ જુઓ તો દોરા
આમ જુઓ તો જીવતર મીઠાં આમ જુઓ તો ખોરાં
રસપ્રદ તથ્યો
ગેસ્ટાલ્ટ ગઝલ - એક એવી રમતીયાળ ચિત્રસંયોજના કે દૃષ્ટિને અમુક બીબામાં ઢાળતાં એક છબી અને અમુકમાં ઢાળતાં બીજી છબી પ્રગટ કરે.
સ્રોત
- પુસ્તક : કવિતા - એપ્રિલ, 1981
- સંપાદક : સુરેશ દલાલ
- પ્રકાશક : જન્મભૂમિ પ્રકાશન, મુંબઈ
