e wat khoti chhe - Ghazals | RekhtaGujarati

એ વાત ખોટી છે

e wat khoti chhe

મનહરલાલ ચોક્સી મનહરલાલ ચોક્સી
એ વાત ખોટી છે
મનહરલાલ ચોક્સી

કવિઓએ કવિતામાં કહી એ વાત ખોટી છે,

મળે ગમમાં જ દિલને જિંદગી, એ વાત ખોટી છે.

પ્રચારક છે બધાયે સત્યનો વેપાર કરનારા,

તમે જે ભરસભામાં સાંભળી એ વાત ખોટી છે.

તમે આંસુ વહાવ્યાં એ તો આ વાતાવરણ કહે છે,

હવાના સૂર વાટે જે મળી એ વાત ખોટી છે?

હિમાલયની આ કન્યા કોઈના શિર પર રહે શાથી?

જટામાંથી જ આ ગંગા સરી એ વાત ખોટી છે.

જીવન અર્પણ કરી દીધું છે મેં તો મૂક વાતોમાં,

હૃદયની ભેટ મેં તમને ધરી એ વાત ખોટી છે.

ઘમંડે રૂપના તમને ભુલાવ્યા છે, હકીકત છે,

નજર મારી નથી કરગરી, એ વાત ખોટી છે.

તડપ છે, ગમ છે, દિલ છે, ઘા છે, ઘાના આપનારા છે,

છતાં સૂની કહો છો જિંદગી? એ વાત ખોટી છે.

વધુ શું બોલશે ‘મનહર! જીવનનું માપ નાનું છે,

તમે કીધું, ગઝલ તમને ગમી, એ વાત ખોટી છે.

સ્રોત

  • પુસ્તક : મધુવન (પૃષ્ઠ ક્રમાંક 176)
  • સંપાદક : હરીન્દ્ર દવે
  • પ્રકાશક : પ્રવીણ પ્રકાશન, રાજકોટ
  • વર્ષ : 2002
  • આવૃત્તિ : 4