e pachhi 6 - Ghazals | RekhtaGujarati

કોઈ ખબર પડી નહીં આવી જનારની

બસ, આટલી વારતા છે ખુલ્લા દ્વારની

સ્વપ્નોના સૂર્ય લઈને અમે એમ સૂઈ ગયા

ઊઠ્યા તો ઓળખાણ પડી નહિ સવારની

પડછાયા રોપવાનું ભલે ફળ મળ્યું નહીં

એકલતાને તો ઓથ મળી અંધકારની

હું લોહીની નદીમાં થીજેલો પહાડ છું

શ્વાસોનું માન ! રાહ જો આવકારની

ઓળંગ્યા સર્વ પ્હાડ, નદી, દરિયા, વન ને રણ

એક ભીંત તૂટતી નથી તારા વિચારની

સ્રોત

  • પુસ્તક : તારાપણાના શહેરમાં (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સર્જક : જવાહર બક્ષી
  • પ્રકાશક : વિશાલ પબ્લિકેશન
  • વર્ષ : 1999