ena gharni ek bari mara ghar same hati - Ghazals | RekhtaGujarati

એના ઘરની એક બારી મારા ઘર સામે હતી

ena gharni ek bari mara ghar same hati

ખલીલ ધનતેજવી ખલીલ ધનતેજવી
એના ઘરની એક બારી મારા ઘર સામે હતી
ખલીલ ધનતેજવી

એના ઘરની એક બારી મારા ઘર સામે હતી,

મારી જે દુનિયા હતી મારી નજર સામે હતી.

એકસરખો ગર્વ બંનેને હતો વ્યક્તિત્વનો,

એક ઊંડી ખીણ પર્વતના શિખર સામે હતી.

રાતે ચિંતા કે સવારે સૂર્ય કેવો ઊગશે,

ને સવારે સાંજ પડવાની ફિકર સામે હતી.

હું વસંતોને ઉમળકાભેર વળગી લેત પણ,

હાય રે! એક વેંત છેટે પાનખર સામે હતી.

હું અંધારાના ડરથી આંખ ખોલી શક્યો,

એક સળગતી મીણબત્તી રાતભર સામે હતી.

મિત્ર ને શત્રુની વચ્ચોવચ ખલીલ ઊભો હતો,

એક આફત પીઠ પાછળ એક નજર સામે હતી.

સ્રોત

  • પુસ્તક : સારાંશ (પૃષ્ઠ ક્રમાંક 95)
  • સર્જક : ખલીલ ધનતેજવી
  • પ્રકાશક : ઈમેજ પબ્લિકેશન્સ પ્રા. લિ.
  • વર્ષ : 2008